અમદાવાદઃ આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે, ભાજપા લોકસભાની ચૂંટણીમાં નવા-નવા ચહેરાઓને ચાન્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં બે ટર્મથી રાજ્યસભાના સભ્ય રહેલા નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. એટલું જ નહીં પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા કેબિનેટ મંત્રી કે જેઓ રાજ્યસભાના સભ્ય છે તેઓ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શકયતા છે. લગભગ 12 જેટલા મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડે તેવી શકયતા છે. તેમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ડો. એસ.જયશંકર, પરસોત્તમ રૂપાલા અને ડો. મનસુખ માંડવિયાનો પણ સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપાએ રાજકારણમાં નવી પેઢી વિકસિત કરવા માટે નવા ચહેરાઓને ચાન્સ આપી રહ્યું છે. તેમજ 75 વર્ષથી વધુની ઉંમરના ભાજપના સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ટિકીટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બે ટર્મની રાજ્યસભાના સભ્ય છે તેવા મોદી સરકારના મંત્રીઓને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, ડો. મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા સહિત સાત મંત્રીઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તેવી શકયતા છે. આ ઉપરાંત રાજ્યસભાની પ્રથમ ટર્મ ધરાવતા કેન્દ્રીય મંત્રીઓ પૈકી જે મંત્રીઓ પ્રજામાં લોકપ્રિય છે તેમને પણ ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. જેથી ડો.એસ.જયશંકર, જ્યોતિ આદિત્ય રાજ સિંધિયા સહિત પાંચ નેતાઓ ભાજપ તરફથી ચૂંટણી જંગમાં ઉતરશે.
આ ઉપરાંત પ્રજામાં નેગેટિવ છાપ ધરાવતા સાંસદોને પડતા મુકવામાં આવે તેવી શકયતા છે. ભાજપના આંતરિક સર્વેમાં 24 જેટલા સાંસદો મતદારોમાં નેગેટિવ છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું.
(PHOTO-FILE)