નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. દરમિયાન બોલીવુડના સુપર સ્ટાર સંજ્ય દત્ત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી અટકળો વહેતી થઈ હતી. દરમિયાન સંજય દત્તે આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને માત્ર અફવા ગણાવી છે. અભિનેતાએ કહ્યું કે તે કોઈપણ પાર્ટીમાં જોડાવો નથી. જો તે રાજકારણમાં આવશે તો તેની જાહેરાત તે પોતે કરશે. આ સિવાય તેણે ફેન્સને આ સમાચાર પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરી છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી છે.
એક્સ પર આ માહિતી આપતા સંજય દત્તે કહ્યું, ‘હું રાજનીતિમાં સામેલ થવાની તમામ અફવાઓનો અંત લાવવા માંગુ છું. હું કોઈ પાર્ટીમાં જોડાઈ રહ્યો નથી કે ચૂંટણી લડી રહ્યો નથી. જો હું રાજકીય ક્ષેત્રે પગ મૂકવાનું નક્કી કરીશ, તો હું તેની જાહેરાત કરનાર પ્રથમ વ્યક્તિ બનીશ. મહેરબાની કરીને અત્યાર સુધી મારા વિશેના સમાચારોમાં જે ચાલી રહ્યું છે તેના પર વિશ્વાસ કરવાનું ટાળો.
છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટી પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર વિરુદ્ધ સેલિબ્રિટી કાર્ડ રમવા જઈ રહી છે. પાર્ટી હાઈકમાન્ડે પણ સંજય દત્તના નામ પર સહમતિ દર્શાવી હતી અને ત્યારથી સંજય દત્તનું નામ ચૂંટણી લડવા માટે સતત સામે આવી રહ્યું હતું. સંજય દત્તના પિતા કોંગ્રેસની મનમોહન સિંહ સરકારમાં મંત્રી હતા. તેમની બહેન પ્રિયા દત્ત પણ સાંસદ રહી ચૂકયાં છે.