લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે
લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે સ્વીકારી લીધી હતી. હવે માયાવતીની બહુજન સમાજ પાર્ટી પણ મધ્યપ્રદેશમાં નસીબ અજમાવવાની તૈયારી કરી રહી છે.
પાર્ટી સુપ્રીમો માયાવતી મધ્ય પ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાની તૈયારીમાં રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે અધિકારીઓને મધ્યપ્રદેશની તમામ સીટો માટે ઉમેદવારોની યાદી માંગી છે. આ ઉમેદવારોની ચર્ચા કર્યા બાદ બહુજન સમાજ પાર્ટી એક સપ્તાહમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. મધ્યપ્રદેશમાં લોકસભાની લડાઈમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ બહુજન સમાજ પાર્ટીના પ્રવેશથી આ બંને પક્ષોના મતો ઘટવાનું જોખમ વધી ગયું છે.
બહુજન સમાજ પાર્ટીએ તાજેતરમાં આગામી લોકસભા ચૂંટણી માટે તેલંગાણામાં ગઠબંધનની જાહેરાત કરી છે. તેલંગાણામાં માયાવતીની +બસપાએ કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ સાથે ગઠબંધન કર્યું છે. આ બંને પક્ષો તેલંગાણામાં સંયુક્ત રીતે ઉમેદવારો ઉભા કરશે. ઉત્તર પ્રદેશમાં પણ બસપા તમામ સીટો પર ઉમેદવારો ઉભા કરી શકે છે. યુપીની ઘણી સીટો પર બીએસપી મજબૂત સ્થિતિમાં છે અને તે ઘણા મોટા રાજકીય પક્ષોની રમત બગાડી શકે છે.