નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે હવે 20મી મે ના રોજ પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા અંતિમ તબક્કાનું એડીચોટીનું જોર લગાવીને આજે પ્રચાર કર્યો હતો. દરમિયાન સાંજે લોકસભાના પાંચમાં તબક્કાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયાં હતા. પાંચમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 સીટો પર મતદાન થવાનું છે.
પાંચમા તબક્કામાં સમાવિષ્ટ હાઈપ્રોફાઈલ સીટોની વાત કરીએ તો તેમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી સીટ, મહારાષ્ટ્રમાં મુંબઈની તમામ 6 લોકસભા સીટો, બિહારની સીતામઢી અને હાજીપુર સીટ, ઓડિશાની બોલાંગીર અને કંધમાલ, ઝારખંડની ચત્રા, કોડરમા અને હજારીબાગ, પશ્ચિમ બંગાળની બેરકપુર અને હાવડા, જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા અને લદ્દાખ લોકસભા સીટ સામેલ છે. આ તબક્કામાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, રોહિણી આચાર્ય અને ચિરાગ પાસવાન જેવા અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.
દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે જે પૈકી અત્યાર સુધીમાં ચાર તબક્કામાં એકંદરે 66 ટકા જેટલુ મતદાન થયું છે. પાંચમાં તબક્કાના તમદાનને લઈને ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે. સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે.