નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપનો બિનહરીફ વિજ્ય થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયો છે. ત્રીજા તબક્કામાં 7મી મેએ 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે. આ 93 બેઠક પર મતદારોને રીઝવવા માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. આ 10 સીટોમાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર-સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાયુન, અમલા અને બરેલી સીટ સામેલ છે. સૌ કોઈની નજર સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી મૈનપુરી સીટ પર છે. સપાએ અહીંથી અખિલેશ યાદવની પત્ની રિપલ યાદવને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. આ તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. આ ઉપરાંત કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 11, મધ્ય પ્રદેશમાં 9, છત્તીસગઢમાં 7, બિહારમાં 5, આસામ અને પશ્ચિમ બંગાળમાં 4-4 અને ગોવા, દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવની 2-2 બેઠકો પર પણ મતદાન થશે.