Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ઉમેદવારો જીત માટે ભગવાનના શરણે, PM મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શનિવારે સાંજે સમાપ્ત થયું છે. બીજી તરફ જીત માટે વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યાં છે, તેમજ વિવિધ મંદિરોમાં પુજા-પાઠ કરી રહ્યાં છે. બીજી તરફ પીએમ મોદી પણ સતત ચૂંટણીપ્રચાર બાદ ધ્યાનમાં બેઠા હતા. દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના ચાલી રહી છે, પીળી સરસવ અને લાલ મરચાથી હવન કરવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોકસભાની ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરે અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને તેવી શુભેચ્છા સાથે એક વિશેષ ગુપ્ત સાધના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં કરવામાં આવી રહી છે.

ભૈરવગઢ રોડ પર સ્થિત મા બગલામુખીના આશ્રમમાં આ વિશેષ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે, જેમાં મા અંબિકા સંસ્કૃત પાઠશાળાના 51 વૈદિક વિદ્યાર્થીઓ યજ્ઞ અને જપ કરીને મા પીતામ્બરાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યજ્ઞના આચાર્ય પંડિત રાજેશ શર્માએ જણાવ્યું કે, આ વિધિ ભૃથરી ગુફાના ગાદીપતિ અને મા બગલામુખી ધામના સ્થાપક પીર મહંત રામનાથજી મહારાજ દ્વારા કરાવવામાં આવી રહી છે, જેમાં મંત્રો દ્વારા મા પીતામ્બરાની પૂજા કરવામાં આવે છે. મંત્રોચ્ચાર એટલા માટે કરવામાં આવે છે કે તેઓ નરેન્દ્ર મોદીને એવા આશીર્વાદ આપે છે કે તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને. જેથી સનાતન ધર્મનો ધ્વજ દેશમાં જ નહીં વિદેશોમાં પણ લહેરાતો રહે. આ વિશેષ અનુષ્ઠાન અંગે જણાવ્યું કે માતા પિતામ્બરાને પ્રસન્ન કરવા માટે દેવીની પૂજા અને 10 મહાવિદ્યાઓના વિશેષ મંત્રોના જાપ અને તેના દશમનું હવન પણ કરવામાં આવે છે. પંડિત શર્માએ જણાવ્યું કે આ એક એવી વિધિ છે, જેને કરવાથી વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે છે.

આ વિધિના આચાર્ય પંડિત શર્માએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઐતિહાસિક વિજય મળે તે માટે મા બગલામુખીના મંદિરે આ વિધિ કરવામાં આવી હતી. આ સાથે નાથ સંપ્રદાયના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ, તિજારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર નાથ સંપ્રદાયના બાળક નાથ મહારાજ માટે પણ આ પ્રકારની વિધિ કરવામાં આવી છે.