લોકસભા ચૂંટણીઃ મત ગણતરી 4 જૂને હાથ ધરાશે, જાણો મત ગણતરીની પ્રકિયા…
ગુજરાતમાં 7મી મેના રોજ યોજાયેલી લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાની ચૂંટણીની મતગણતરી તા.4થી જુનને મંગળવારના રોજ યોજાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે જેમાં સુરતની બેઠક બીન હરિફ બની હતી. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરિફ વિજેતા જાહેર થયા હતા. એટલે ભાજપે લોકસભાની ચૂંટણીમાં દેશમાં પ્રથમ બેઠક બિન હરિફ મેળવી હતી. ગુજરાત ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. આગામી 4 જૂનના રોજ સમગ્ર દેશમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જાણો મતગણતરીની સમગ્ર પ્રક્રિયા…..
ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં 26 કેન્દ્રો પર 4થી જુનને મંગળવારના રો સવારના 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં મતગણતરી દરમિયાન 56 નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે. તમામ મત ગણતરી કેન્દ્રોની બહાર તેમજ અંદર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 02 મતગણતરી કેન્દ્રો છે, જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારમાં એક-એક મતગણતરી કેન્દ્ર પર મત ગણતરી શરૂ કરવામાં આવશે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે. વધુમાં, લગભગ 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મતગણતરી હોલમાં બે માઈક્રો ઓબ્ઝર્વર રાખવામાં આવશે. મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. માત્ર અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો અને ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કાઉન્ટિંગ એજન્ટોને જ મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃતતા જારી કરવામાં આવેલ મીડિયા વ્યક્તિઓ પણ પ્રવેશ કરી શકશે. સ્ટ્રોંગરૂમ રિટર્નિંગ ઓફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની હાજરીમાં ખોલવામાં આવશે. ત્યારબાદ ઈવીએમને ગોળાકાર રીતે બહાર કાઢીને કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે. પોસ્ટલ બેલેટ અને ઈવીએમ મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. પંચના જણાવ્યા અનુસાર, મતદાન કેન્દ્ર પરિસરમાં મીડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી ગઈ તા. 7મી મેના રોજ સંપન્ન થયા બાદ એટલે કે મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ યુનિટોને સીલ કરીને જે તે જિલ્લાના ઊભા કરાયેલી સ્ટ્રોંગ રૂમમાં પોલીસના બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે, સ્ટ્રોંગ રૂમને પણ સીલ કરાયા બાદ સ્ટ્રોગરૂમ કેન્દ્રોની બહાર એસઆરપી અને પોલીસનો જડબેસલાક બંદાબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત રાજકીય પક્ષોએ નિયત કરેલા એજન્ટો પણ સ્ટોંગરૂમની બહાર ગોઠવાયા હતા. સોમવારે સીલબંધ તમામ ઈવીએમ યુનિટોને મતગણતરી કેન્દ્રો પર પોલીસના બંદોબસ્ત સાથે લાવવામાં આવશે. મતગણતરી કેન્દ્રો પર દરેક બુથ પ્રમાણે ઝોન પાડવામાં આવશે. અને વિધાનસભા બુથ પ્રમાણે જે તે વિસ્તારના કે ગામોના ઈવીએમ ગોઠવવામાં આવશે. મત ગણતરી પહેલા જ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ તેમના એજન્ટોની હાજરીમાં ઈવીએમના સીલ તોડવામાં આવશે. અને ત્યારબાદ તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં નક્કી કર્યા મુજબ પ્રથમ રાઉન્ડ, બીજા રાઉન્ડ તેમ તબક્કાવાર રાઉન્ડની ગણતરીના પરિણામો જાહેર કરવામાં આવશે