લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી
નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ શખ્સોએ ઈવીએમની તોડફોડ કરીને હંગામો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નોર્થ ઈસ્ટના મણિપુર સ્થિત મોઈરાંગમાં શુક્રવારે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. મોઈરાંગ વિધાનસભા વિસ્તારમાં થમનપોકપીના એક મતદાન કેન્દ્ર પાસે ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ગોળીબારીનો અવાજ સાંભળીને મતદારોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, સદનસીબે ગોળીબારની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ગોળીબારની આ ઘટનાને લઈને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મતદારો દોડધામ કરતા જોવા મળે છે.
ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં આ પહેલા મતદાન કેન્દ્રમાં ઘુસણખોરીની કોશિષ કરવામાં આવી હતી. હથિયારો સાથે અસામાજીક તત્વોએ બુથમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ઈવીએમમાં તોડફોડ કરી હતી. તેમજ આ ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવ બન્યો ત્યારે સ્થળ પર ઉચ્ચ પોલીસ અધિકારી અને રાજકીય પાર્ટીના એજન્ટ હાજર હતા. હથિયારો સાથે અસામાજીક તત્વો મતદાન કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તોડફોડ કરી હતી. પોલીસ બુથ ઉપર થયેલી હિંસાની ઘટનાને લઈને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.