લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં પ્રરપ્રાંતીય શ્રમયોગીઓ, કર્મચારીઓ માટે મતદાન દિવસે સવેતન ખાસ રજા જાહેર
અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. દેશમાં રાજ્સ્થાન રાજ્યમાં 26 એપ્રિલ, મધ્યપ્રદેશ રાજ્યમાં 13 મે અને મહારાષ્ટ્ર રાજ્યમાં 13 મે તેમજ 20 મેના લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થનાર છે. આથી રાજ્સ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ,કચેરીઓને ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ,શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા જાહેર કરવામાં આવી છે.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સમગ્ર દેશમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ નરેન્દ્ર મોદીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી દળો એક છત હેઠળ એકઠા થયાં છે. ગુજરાતમાં 7મી મે ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 4 જૂનના રોજ મતગણતરી યોજાશે.