લોકસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપાએ 6 સહ-પ્રભારીના નામ જાહેર કર્યાં
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર પુનઃ જીતના લક્ષ્યાંક સાથે ભાજપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ ભાજપામાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન રાજ્યની લોકસભાની 26 પૈકી 16 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેરા કરવામાં આવે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી લીધી છે. આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે પોતાના સહ પ્રવક્તાના નામની જાહેર કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપા દ્વારા જૈનિકભાઈ વકીલ, દીપકભાઈ જોશી, ઘનશ્યામભાઈ ગઢવી, અશ્વિનભાઈ બેન્કર, જયેશભાઈ વ્યાસ, રાજિકાબેન કચેરિયાને સહપ્રવક્તાની જવાબદારી સોંપી છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ લક્ષી યોજનાઓ અંગે લોકોને માહિતીગાર કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ હવે લોકસભાની બાકી બેઠકો ઉપર ઉમેદવારોને લઈને ભાજપા હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે. જેની ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.