- જોધપુર જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયાં
- જોધપુરના મતદારોમાં જાગૃતિ ફેલાવશે
- રવિ બિશ્નોઈ જોધપુર જિલ્લાના રહેવાસી છે
જયપુરઃ રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન ભારતીય ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા આદેશ આપવામાં આવ્યાં છે. દરમિયાન ભારતીય ટીમના ક્રિકેટર રવિ બિશ્નોઈને પણ લોકસભા ચૂંટણીને લઈને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જિલ્લામાં મતદારાઓને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે.
ભારતીય ક્રિકેટર રવિ બિશ્નોઈને રાજસ્થાનના જોધપુર જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે. ક્રિકેટર જોધપુર જિલ્લાના રહેવાસી છે. જેથી તેમને આ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોતાના જિલ્લાના મતદારોમાં મતદાન માટે જાગૃતિ ફેલાવશે.
રવિ બિશ્નોઈએ પોતાની બોલીંગથી ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીત્યું છે. બિશ્નોઈ ગત વર્ષ 15 ટી-20 મેચ રમ્યાં હતા. જેમાં 24ની એવરેજથી રન આપીને 16 વિકેટ લીધી હતી. ક્રિકેટરે આઈસીસીની બેસ્ટ ટી20 ટીમ ઓફ 2023માં પણ સ્થાન મળ્યું હતું. બિશ્નોઈએ અત્યાર સુધીમાં 24 જેટલી ટી20 મેચમાં 36 વિકેટ લીધી છે.
બિશ્નોઈએ આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધીમાં લગભગ 52 જેટલી મેચમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેમણે 53 જેટલી વિકેટ ઝડપી છે. IPLમાં બિશ્નોઈની એવરેજ 27ની આસપાસ છે. તેમજ તેની ઈકોનમી 7.51 ની આસપાસ છે. બિશ્નોઈ IPL 2024માં લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. આ વર્ષે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.
લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.