Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024માં સાત તબક્કામાં કેટલુ મતદાન થયું જાણો…

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયું હતું. હવે તા. 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024માં મતદાન ઓછું થયાનું લાગી રહ્યું છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થયું હતું. 2019માં આ 102 બેઠકો પર 69.96 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 66.14 ટકા મતદાન થયું હતું.

બીજા રાઉન્ડમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં આ 88 બેઠકો પર કુલ 70.09 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે આ આંકડો 66.71% હતો. અત્રે એ નોંધનીય છે કે મણિપુરની આઉટર મણિપુર લોકસભા સીટની 15 વિધાનસભા સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે અન્ય 13 વિધાનસભા ક્ષેત્રોમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું.

ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થયું હતું. 2019માં આ 93 બેઠકો પર કુલ 66.89 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે આ વખતે 65.68% મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થયું હતું. 2019માં આ 96 બેઠકો પર કુલ 69.12 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ વખતે 69.16 ટકા મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં 20 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. વોટર ટર્નઆઉટ મોબાઈલ એપ પર ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, પાંચમા તબક્કામાં 49 બેઠકો પર 62.20 ટકા મતદાન થયું હતું. જો કે, આ આંકડો ફેરફારને પાત્ર છે. 2019માં આ 49 બેઠકો પર 62.01 ટકા મતદાન થયું હતું.

25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થયું હતું. છઠ્ઠા રાઉન્ડમાં 63.37% મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં આ 58 બેઠકો પર કુલ 64.22% મતદાન થયું હતું.

1લી જૂનના રોજ આઠ રાજ્યોની લોકસભાની 57 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. એક અંદાજ અનુસાર આ બેઠકો ઉપર લગભગ 60 ટકાથી વધારે મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019માં 65.29 ટકા જેટલુ મતદાન થયું હતું.