- ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો
- શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી
- એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર
નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર બેઠકોની વહેંચણીને લઈને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી દ્વારા બેઠકોની વહેચણીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી વધારે બેઠકો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ફાળવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીને લઈને જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 21, શરદ પવારની એનસીપીને 10 અને કોંગ્રેસને 17 બેઠકો ફાળવવામાં આવી છે. આ બેઠકો ઉપર આગામી દિવસોમાં સત્તાવાર રીતે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. આ ગઢબંધન મહારાષ્ટ્રમાં ભાજપા, એકનાથ શિંદેવાળી શિવસેના અને અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીને ટક્કર આપશે.
લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપાની આગેવાનીવાળા એનડીએને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ ઈન્ડી ગઢબંધન બનાવવામાં આવ્યું છે. આ ગઠબંધનમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર) પણ સભ્ય છે. જ્યારે શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર) એનડીએ સાથે જોડાયેલું છે. જેથી મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે.