નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર ચૂંટણી પંચને પત્ર લખશે. આ વખતે તેમનો પત્ર લખવાનો હેતુ તેમના દ્વારા ગત વખતે મોકલવામાં આવેલા પત્રને નકારવાનું કારણ જાણવાનો છે.
ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના 6 મેના પત્રમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં મતદાનના આંકડાઓમાં વિસંગતતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના આરોપોને ફગાવી દીધા હતા.
શનિવારે મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું હતું કે, “હું ફરી એકવાર ચૂંટણી પંચને પત્ર લખીને અસ્વીકારનું કારણ પૂછીશ, પરંતુ ત્યાં (ચૂંટણી પંચ) પહોંચતા પહેલા હું તેને પ્રેસ સમક્ષ જાહેર કરીશ નહીં.”
ખડગેએ પંચને લખેલા પત્રમાં છ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો.
પત્ર મળ્યા બાદ ભારતના ચૂંટણી પંચે મલ્લિકાર્જુન ખડગેને લોકસભા ચૂંટણીમાં વિક્ષેપ પાડવા બદલ ઠપકો આપ્યો હતો. કમિશને તેમના નિવેદનોને વાંધાજનક ગણાવ્યા હતા. કમિશને એમ પણ કહ્યું હતું કે, મતદાર મતદાનના આંકડા જાહેર કરવા અંગેના તેમના (ખડગેના) પાયાવિહોણા આક્ષેપો મુક્ત અને ન્યાયી ચૂંટણીના સંચાલનમાં ભ્રમણા, ગેરમાર્ગે દોરવા અને અવરોધ ઊભો કરવા માટે કરવામાં આવ્યા છે. કમિશને એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે તેમના નિવેદનની મતદાતાઓની ભાગીદારી પર નકારાત્મક અસર પડી શકે છે.
મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે, ચૂંટણી પંચ મતદાન બાદ મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબ કેમ કરી રહ્યું છે. જેમાં ગોટાળાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
જે બાદ ચૂંટણી પંચના પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, મતદાનની ટકાવારી જાહેર કરવામાં કોઈ વિલંબ થયો નથી. અગાઉ પણ આ જ રીતે મતદાનની ટકાવારી અપડેટ કરવામાં આવી છે. વોટર ટર્ન-આઉટ એપ પર મતદાનની ટકાવારી સતત અપડેટ કરવામાં આવે છે. ઘણા કારણોસર મતદાનના દિવસે સાંજે 7 વાગ્યા પછી પણ મતદાનની ટકાવારીના અંતિમ આંકડાઓ વધે છે.