ગાંધીનગરઃ અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખર્ચ નિયંત્રણ અને દેખરેખ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા તથા રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અમદાવાદમાં આવેલી લોકસભાની બેઠકો – ખાસ કરીને અમદાવાદ પૂર્વ તથા અમદાવાદ પશ્ચિમમાં રાજકીય ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ રાખવા ઉપરાંત શંકાસ્પદ નાણાકીય વ્યવહારો તથા પ્રતિબંધિત વસ્તુઓની જપ્તી સંબંધિત મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
એક્સપેન્ડિચર મોનિટરિંગની કામગીરી માટે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તથા દરેક નોડલ અધિકારીની જવાબદારી અને કામગીરી બાબતે એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા શ્રી રવીન્દ્ર ખતાલેએ સૂચનો કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં પોલીસ, ઇન્કમટેક્સ, જીએસટી, બેન્ક, હિસાબ, મીડિયા સહિતના વિભાગોમાં વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.