લોકસભા ચૂંટણી: ગુજરાતના 2000થી વધારે હોમગાર્ડ જવાનો હરિયાણામાં બંદોબસ્તની જવાબદારી નિભાવશે
અમદાવાદઃ હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને 24 કલાકમાં જ તમામ હોમગાર્ડઝ સભ્યોને અમદાવાદ અને વડોદરા રેલ્વે સ્ટેશનથી રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ખોડિયાર રેલ્વે સ્ટેશન અને અદાણી શાંતિગ્રામ અમદાવાદ ખાતે કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ દ્વારા બંદોબસ્તમાં જનાર સભ્યોને વિદાય આપવામાં આવી હતી.
હોમગાર્ડઝ સભ્યોમાં લોકસભા ચૂંટણીની કામગીરીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી બંદોબસ્તમાં અગાઉ જ્યારે ફાળવણી કરાઈ હતી ત્યારે નજીકના જ રાજ્યો જેવા કે રાજસ્થાન, મહરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંજ ફાળવણી થઈ હતી,પરંતુ પ્રથમ વખત હોમગાર્ડઝ સભ્યોની ફાળવણી હજારો કિલોમીટર દૂર કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળતાની સાથે માત્ર 24 કલાકની અંદર તમામ હોમગાર્ડઝ સભ્યો અને સુપરવાઈઝરી સ્ટાફને સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા છે અને બંદોબસ્તમાં જનાર હોમગાર્ડઝ સભ્યોને તેઓના યુનિટ ખાતેથી રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવા માટે ગુજરાતપોલીસ દ્વારા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી અને હોમગાર્ડઝ સભ્યોને રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.
હાલમાં ઉનાળાના સમય દરમિયાન અમદાવાદમાં 45 ડિગ્રી અને હરિયાણામાં 47 ડિગ્રી જેટલું તાપમાન હોવાથી સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી બંદોબસ્તમાં થાય તેમજ બંદોબસ્તમાં પૂર્ણ નિષ્ઠાથી તેઓ ફરજ બજાવે તેની તમામ તકેદારી રાખવાની સૂચના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી.