અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ધીમે ધીમે તેજ બની રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં છે. દરમિયાન આગામી 27મી એપ્રિલથી 3 મે સુધી રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે.
ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગામી દિવસોથી સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર કરશે. 27મી થી 29મી એપ્રિલ સુધી રાજ્યની વિવિધ બેઠકો ઉપર અમિત શાહ ચૂંટણીસભાઓને સંબોધિત કરશે. અમિત શાહ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિશાલ રેલીઓ અને સભાઓને સંબોધિત કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1મી મે રોજ ગુજરાત સ્થાપના દિન પ્રસંગ્રે રાજ્યનો પ્રવાસ કરશે. પીએમ નરેન્દ્ર મોદી જૂનાગઢમાં સનસભાને સંબોધિત કરશે જ્યારે વડોદરામાં વિશાળ રોડ-શો કરશે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરીને ભાજપા માટે વોટ માંગશે. ભાજપાએ રાજ્યની તમામ બેઠકો પર પુનઃ જીતનો દાવો કર્યો છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો ઉપર એક સાથે 7મી મેના રોજ મતદાન યોજાશે. રાજ્યની લોકસભાની 26 બેઠકો પૈકી એક બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર બિનહરિફ ચૂંટાતા હવે 25 બેઠકો માટે મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.