Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં આવ્યું છે. અમિત શાહના ફેક વીડિયો મામલે તેલંગાણામાં કોંગ્રેસના મુખ્યમંત્રી રેડ્ડીને પોલીસે નોટિસ પાઠવતા રાજકીય આલમમાં ગરમાવો આવ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર રેડ્ડીના ફોનની તપાસ કરવામાં આવશે. રેડ્ડીએ પણ પોતાના એક્સ એકાઉન્ટમાંથી અમિત શાહનો ફેક વીડિયો શેર કર્યો હતો. તેલંગાણા કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ સહિત પાર્ટીના નેતાઓએ પણ વીડિયો શેર કર્યો હતો. આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કથિત રીતે એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા નજરે પડતા હતા. જો કે, અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલુ આરક્ષણ ખતમ કરવા માટે કહ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.

સમગ્ર મામલે ભારતીય જનતા  પાર્ટી (ભાજપા) અને ગૃહ વિભાગની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. બીજેપીના આઈડી સેલના વડા અમિત માલવીયાએ દાવો કર્યો હતો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરનાર તમામ લોકો સામે સમગ્ર દેશમાં કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. પોલીસે નોંધેલી ફરિયાદમાં અમિત શાહનો ફેક વીડિયો વાયરલ કરનારા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.