લોકસભા ચૂંટણી: બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન કરવા PM મોદીની મતદારોને અપીલ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે. આ મારો સંદેશ અમારા યુવા મતદારોને છે. તેમજ દેશની મહિલા શક્તિને ખાસ વિનંતી છે કે તેઓ મતદાન કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવે, તમારો મત તમારો અવાજ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં કેરળની તમામ 20 લોકસભા બેઠકો, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની 8, મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3 બેઠકનો સમાવેશ થાય છે. ત્રિપુરા, મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 સીટ પર આજે ચૂંટણી થઈ રહી છે.