અમદાવાદઃ દાહોદ લોકસભા બેઠકમાં આવેલા મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા પરથમપુરા મતદાન બુથનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં નેતાના પુત્રએ બુથ કેપ્ચરીંગ કર્યું હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ બુથ કેપ્ચરીંગના વીડિયો મામલે પોલીસે કાર્યવાહી કરી છે. સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ કરાયો હતો.. નોંધનીય છે કે આ બૂથ ઉપરથી વિજય ભાભોરનો બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચે આ ઘટનાની ગંભીર નોંધ લઇ કાર્યવાહી કરતા 220 નંબરના બૂથ પરના પ્રીસાઈડીંગ કર્મચારી, આસિસ્ટન્ટ પ્રીસાઈડીંગ કર્મચારી અને અન્ય ચાર કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની તપાસ બાદ મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુરા મતદાન મથક પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે. 11 મેએ પરથમપુરા મતદાન બુથ પર ફરી મતદાન થશે. રાજ્ય ચુંટણી અધિકારી દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજય ચૂંટણી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે દાહોદ લોકસભા બેઠકના પરથમપુર ગામમાં 11મી મેના રોજ નવેસરથી મતદાન કરવામાં આવશે. અને સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આવેલ પથરમપુર ગામના 220 નંબરના બુથ પર રી-પોલીંગ થશે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અગાઉ જ બિનહરીફ ચૂંટણી જીતી ચુક્યાં છે. હવે તમામ ઈવીએમ સ્ટોંગ રૂમમાં રાખવામાં આવ્યાં છે. તા 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.