અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જ્યારે બાકી બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠકથી સિનિયર નેતા રોહન ગુપ્તાના નામની જાહેરાત કરી છે. જો કે, હવે રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા યુવા નેતા રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. દરમિયાન હાલ તેમની તબિયત સારી નહીં હોવાથી સારવાર ચાલી રહી છે. દરમિયાન રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેમના પુત્ર રોહન ગુપ્તાએ પણ લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તેમજ આ અંગે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, પિતાની કથળેલી તબિયતને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી પોતાની દાવેદારી પરત ખેંચે છે. આવી સ્થિતિમાં તેઓ નૈતિક રીતે જવાબદારી સ્વીકારવા સક્ષમ નથી. પાર્ટીએ આ બેઠક ઉપરથી અન્ય ઉમેદવારનું નામ જાહેર કરે, તેમને મારુ સંપૂર્ણ સમર્થન રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી સિનિયર નેતા ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. હવે પિતાના આરોગ્યના કારણોસર રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો.