લોકસભા ચૂંટણીઃ શિવસેના(યુબીટી)એ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ બનાવી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવી છે. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) એ, બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં કુલ 22 સીટો પર ચૂંટણી લડશે. શિવસેના ટૂંક સમયમાં બાકીની પાંચ બેઠકો પર નિર્ણય લેશે અને પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.
સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, બુલઢાણા- નરેન્દ્ર ખેડેકર, યવતમાલ-વાશિમ- સંજય દેશમુખ, માવલ- સંજોગ વાઘેરે પાટીલ, સાંગલી- ચંદ્રહાર પાટીલ, હિંગોલી- નાગેશ પાટીલ આષ્ટિકર, સંભાજીનગર- ચંદ્રકાંત ખૈરે, ધારશિવ- ઓમરાજ નિમ્બાલકર, શિરડી- ભાઉસાહેબ વાકચોરે, નાશિક – રાજાભાઈ વાજે, રાયગઢ – અનંત ગીતે, સિંધુદુર્ગ – રત્નાગીરી – વિનાયક રાઉત, થાણે – રાજન વિચારે, મુંબઈ – ઉત્તર પૂર્વ – સંજય દીના પાટીલ, મુંબઈ – દક્ષિણ – અરવિંદ સાવંત, મુંબઈ ઉત્તર પશ્ચિમ – અમોલ કીર્તિકર, પરભણી – સંજય જાધવ અને દક્ષિણ મધ્ય – અનિલ દેસાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સંજય રાઉતે કહ્યું કે, શિવસેના (યુબીટી) મહાવિકાસ અઘાડીના સહયોગીઓ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. તેમજ વંચિત બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર સાથે મહાગઠબંધનમાં જોડાવા માટે ચર્ચા ચાલી રહી છે.
મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો માટે પાંચ તબક્કામાં મતદાન થશે. અહીં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. મહારાષ્ટ્રમાં ઈન્ડિયા એલાયન્સ અને એનડીએ વચ્ચે સીધો મુકાબલો થશે. અહીં શિવસેના-યુબીટી, એનસીપી-શરદ પવાર અને કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડી રહ્યા છે.