લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું
લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. ઈરાનીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, આપ તમામે અમારી શોભા વધારી છે અને આપ આપના આર્શીવાદ આપ્યાં છે. અમેઠીમાં એવુ બ્યુગલ વાગ્યું છે જેની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાય રહી છે. સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પર લગભગ 55 હજાર વોટથી હરાવ્યાં હતા. જો કે, રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત વાયનાડ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. પરંપરાગત અમેઠી બેઠક ઉપર હારનો સામનો કરનાર રાહુલ ગાંધી વાયનડ બેઠક ઉપરથી જીત મેળવીને સંસદમાં પહોંચ્યાં હતા. વર્ષ 2019 બાદ 2024 ચૂંટણીમાં ભાજપાએ અમેઠી બેઠક ઉપરથી સ્મૃતિ ઈરાનીને ટીકીટ ફાળવી છે. બીજી તરફ અમેઠી બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. ગાંધી પરિવારના સભ્યને જ આ બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ઝડપથી કોંગ્રેસ પરંપરાગત મનાતી રાયબરેલી અને અમેઠી બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.