Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર 1350થી વધારે ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

Social Share

અમદાવાદઃ દેશમાં લોકસભા ચૂંટણીની 93 બેઠકો ઉપર આજે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કેટલાક મતદાન મથકો ઉપર ઈવીએમ ખોટકાવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે સરેરાશ 62થી 65 ટકા જેટલુ મતદાન થયું હતું. ત્રીજા તબક્કાના ચોક્કસ મતદાનનો આંકડો મોડી રાતના જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ છે. સૌથી વધારે અસમ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના મહાનુભાવોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 સહિત 11 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 11, મધ્ય પ્રદેશમાં 9, છત્તીસગઢમાં 7, બિહારમાં 5, આસામ અને પશ્ચિમ બંગાળમાં 4-4 અને ગોવા, દાદરા અને નગર હવેલી, તથા દમણ અને દીવની 2-2 બેઠકો ઉપર પણ મતદાન યોજાયું હતું. લોકસભાની 93 બેઠકો ઉપર 1352 ઉમેદવારોના ભાવિ સાંજે ઈવીએમમાં સીલ થયાં હતા. જેમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.

સાંજના પાંચ કલાક સુધીમાં 93 બેઠકો ઉપર 60.19 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. અસમમાં 74.86 ટકા, બિહારમાં 56.01 ટકા, છત્તીસગઢમાં 66.87 ટકા, દાદર-નગર હવેલી, દમણ અને દીવમાં 65.23 ટકા, ગોવામાં 72.52 ટકા, ગુજરાતમાં 55.22 ટકા, કર્ણાટકમાં 66.05 ટકા, મધ્યપ્રદેશમાં 62.28 ટકા, મહારાષ્ટ્રમાં 53.40 ટકા, ઉત્તરપ્રદેશમાં 55.13 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.93 ટકા જેટલુ મતદાન યોજાયું હતું.