નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચ તમામ તૈયારીઓ કરી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે ક્યાંથી આવે છે? કેવી રીતે બને છે અને આ શાહીની કિંમત કેટલી હોય છે?
- ચાલો આ પ્રશ્નોના જવાબો વિગતે સમજીએ
સૌ પ્રથમ તો આ શાહીને ચૂંટણીની શાહી (ઈલેક્શન ઈંક) અથવા અદમ્ય શાહી તરીકે ઓળખાય છે. ભારતમાં માત્ર એક જ કંપની આ શાહી બનાવે છે. દક્ષિણ ભારતમાં સ્થિત મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (MVPL) નામની કંપની આ શાહી બનાવે છે. આ કંપનીની સ્થાપના 1937માં મૈસુર પ્રાંતના તત્કાલીન મહારાજા નલવાડી કૃષ્ણરાજા વોડેયારે કરી હતી. કંપની આ શાહી માત્ર સરકાર અને ચૂંટણી સંબંધિત એજન્સીઓને જ પૂરી પાડે છે. આ શાહી બજારમાં વેચાણ માટે આપવામાં આવતી નથી. આ કંપનીની ઓળખ આ શાહી વિશે જ છે.
- કેમ આ શાહી ભૂંસાતી નથી?
આ શાહી બનાવવાની ફોર્મ્યુલા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે. જો કે તેમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આ કેમિકલ હવાના સંપર્કમાં આવતા જ માત્ર 40 સેકન્ડમાં સુકાઈ જાય છે. એકવાર ત્વચા પર લાગુ કર્યા પછી, તેને ઓછામાં ઓછા 72 કલાક સુધી દૂર કરી શકાતી નથી. સિલ્વર નાઈટ્રેટ આપણા શરીરમાં રહેલા ક્ષાર સાથે ભળીને સિલ્વર ક્લોરાઈડ બનાવે છે. તેના પર ન તો પાણીની કોઈ અસર થાય છે અને ન તો તેને સાબુથી સરળતાથી દૂર કરી શકાય છે.
મૈસુર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ (MPVL) આ શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય 25 દેશોમાં પણ નિકાસ કરે છે. MPVL દ્વારા ઉત્પાદિત શાહીની એક બોટલમાંથી ઓછામાં ઓછી 700 આંગળીઓ પર શાહી લગાવી શકાય છે. દરેક શીશીમાં ૧૦ મિલી શાહી હોય છે. એક રિપોર્ટ અનુસાર, 10 મિલીલીટરની શાહીની બોટલની કિંમત લગભગ 127 રૂપિયા છે.
આ સંદર્ભમાં 1 લીટરની કિંમત લગભગ 12,700 રૂપિયા હશે. તે જ સમયે, જો આપણે એક ML એટલે કે એક ડ્રોપ વિશે વાત કરીએ, તો તેની કિંમત લગભગ 12.7 રૂપિયા હશે. ભારતના ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણી માટે શાહીની 26 લાખથી વધુ શીશીઓ બનાવવાની જવાબદારી MPVLને સોંપી છે. શાહીનું ઉત્પાદન પણ અંતિમ તબક્કામાં છે.