કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમના રોડ-શો દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે 2019માં ગાંધીનગરથી વધારે લીડ સાથે જીત મેળવી હતી. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે , ભાજપના ગુજરાતના દિગ્ગજ નેતાઓ સી.આર.પાટીલ નવસારી બેઠક પરથી ,તો પૂનમ માડમ જામનગર બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તો બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ તેમનું ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન ગઈકાલે આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે દેવ દર્શન કર્યા હતા અને પગપાળા ચાલીને તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.અમિત ચાવડા સાથે ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કૉંગેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહેલ તેમજ ભરત સિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા નડિયાદ શહેરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે રેલી યોજી હતી. રેલીમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વિજય મુહર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે ઉમેદવારી પત્ર ભરતા પહેલા પ્રગતિ મેદાન સભા કરી હતી. ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આજે મેં મારા ગુરૂ અને કુળદેવીના આશીર્પૂવાદ લીધા છે તેમજ મને મોટી સંખ્યામાં જન સમર્થન મળ્યું છે.
વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢીયારે ઇસ્કોન મંદિરમાં દર્શન કરીને ભગવાનના આશીર્વાદ મેળવીને રેલી સ્વરૂપે પગપાળા ચાલતા કલેક્ટર કચેરી સુધી જઈને તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જસપાલસિંહના ટેકેદારોએ તેમને ખભે બેસાડીને સમર્થન વ્યક્ત કર્યું હતું.