અમદાવાદઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરીઓ ઓપ આપી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલીસ જવાન, હોમ ગાર્ડ જવાન, રેવન્યુ સ્ટાફ, તેમજ અન્ય કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા એસ.એન.ડી.ટી. સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ વડા, ઉચ્ચ અધિકારી સહિતના તમામ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં બે દિવસ દરમિયાન અંદાજે 300 થી વધુ પોલિંગ સ્ટાફના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન પોલિંગ સ્ટાફને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અને સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા સમયે મામલતદાર સહિત અધિકારીઓની ટીમ પણ હાજર રહી હતી.
બનાસકાંઠામાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ માટે બેલેટ પેપરથી મતદાન પક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ દાંતા વિધાનસભા મત વિસ્તારમાં પોલિંગ સ્ટાફને તાલીમ આપવાનો એક ખાસ તાલીમ વર્ગ દાંતા ખાતે યોજવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણી માટે 44 ઝોનલ અધીકારીઓ તેમજ 1500 ઉપરાંત કર્મચારીઓને ઇવીએમ અંગેની તાલીમ આપવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે મતદાનના અધિકારથી ફરજમાં રહેનારા કર્મચારીઓ વંચિત ન રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.