લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર આજે મતદાન યોજાશે
અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાશે. લોકસભાની 93 બેઠકો ઉપર 1352 ઉમેદવારોના ભાવિ સાંજે ઈવીએમમાં સીલ થશે. જેમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જે પૈકી સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, બિન હરીફ જાહેર થયાં હતા. જ્યારે અન્ય 25 બેઠકો ઉપર મતદાન યોજાશે. આ ઉપરાંત, ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા સીટો પર મતદાન થશે. જેમાં સૌ કોઈની નજર સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી, મૈનપુરી સીટ પર છે. ઉપરાંત કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 11, મધ્ય પ્રદેશમાં 9, છત્તીસગઢમાં 7, બિહારમાં 5, આસામ અને પશ્ચિમ બંગાળમાં 4-4 અને ગોવા, દાદરા અને નગરહવેલી, તથા દમણ અને દીવની 2-2 બેઠકો ઉપર પણ મતદાન થશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી મતદારો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં વધારો થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.