- સંસદમાં સાંસદોનું અયોગ્ય વર્તન
- સંસદની કામગીરીને રોકવાની પડી ફરજ
- લોકસભા અધ્યક્ષે કહ્યું,માસ્ક વગર હંગામો કરવો અયોગ્ય
દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જારી છે, જોકે પેગાસસ, મોંધવારી, કોવિડના મુદ્દા પર થયેલ હોબાળાને કારણે કાર્યવાહી પર વિધ્ન પડી રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ગૃહમાં અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સાંસદોએ કોવિડ વિષય પર ગંભીરતા બતાવવી જોઈએ. કોવિડ અને રસીકરણ વિશે ગૃહમાં ચર્ચા ગંભીર છે.
દેશ જાણવા માંગે છે કે રસીકરણમાં ભારતની સ્થિતિ શું છે. બિરલાએ સભ્યોને માસ્ક નહીં લગાવવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. માસ્ક પહેરો, કારણ કે કોરોના સંકટ હજી પણ શરૂ છે. જો તમે માસ્ક નહીં પહેરો તો દેશને શું સંદેશ જશે? જનતાએ તમને ચૂંટ્યા છે અને મોકલ્યા છે, કોવિડ-રસીકરણ જેવા વિષયો પર ચર્ચા કરવાની તમારી જવાબદારી છે. માસ્ક ખોલીને હંગામો અને પ્લેકાર્ડ્સ યોગ્ય નથી. બધા સાંસદોએ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. કોઈપણ વિષય પર ચર્ચા કરવા તૈયાર છું.
સંસદનું ચોમાસું સત્ર અત્યાર સુધી વિપક્ષ દ્વારા કરવામાં આવેલ હોબાળાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આજે પણ વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે બંને ગૃહો-રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. તૃણમૂલ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના સભ્યોએ હોબાળો મચાવતાં રાજ્યસભા બપોર સુધી મુલતવી રાખવામાં આવી.
અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેનને રાજ્યસભાના હાલના અધિવેશનની બાકી રહેલી મુદતને એક દિવસ અગાઉ અભદ્ર વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોબાળાને કારણે કાર્યવાહી ફરીવાર સ્થગિત કરવાની જરૂર પડી હતી.
રાજ્યસભામાં તણાવ સર્જાયો હતો જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પેગાસસ કેસ અંગે નિવેદન આપવા માટે ઉભા થયા હતા, તે દરમિયાન ટીએમસીના સાંસદ શાંતનુ સેને મંત્રીના હાથમાંથી નિવેદનપત્ર છીનવી લીધો હતો અને ડેપ્યુટી સ્પીકર તરફ ફેંકી દીધો હતો. આના પર ભાજપના સાંસદો પણ આક્રમક રીતે આગળ વધ્યા હતા. આ જોતા રાજ્યસભાની કાર્યવાહી શુક્રવાર સુધી મુલતવી રાખવી પડી હતી.