દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સંસદ સત્ર માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ બેઠક માટે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, કે.સી.વેણુગોપાલ, એ.કે.એન્ટની, માણિક ટાગોર, રવનીત સિંહ બિટ્ટુ, કે સુરેશ, આનંદ શર્મા સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં અમે નિર્ણય લીધો છે કે અમે સંસદમાં મોંઘવારી, પેટ્રોલ-ડીઝલની કિંમતો, ચીનની આક્રમકતાનો મુદ્દો સહિત અનેક મુદ્દા ઉઠાવીશું. તેમજ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સામેલ છે.” 29 નવેમ્બરના રોજ, સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે, કોંગ્રેસ MSP અને લખીમપુર ખેરી હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાને બરતરફ કરવાની માંગણી કરશે. સંસદમાં વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પાર્ટીઓને સાથે લાવવાના પ્રયાસોના ભાગરૂપે અમે વિવિધ પક્ષોના નેતાઓને બોલાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાના ચોમાસુ સત્રમાં ભાજપ સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પરત લેવા માટે બિલ પસાર કરવામાં આવશે.