અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપાતા પ્રોપર્ટી ટેક્સના બિલોમાં અનેક ક્ષતિઓ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને નામના સ્પેલિંગમાં ભૂલ જોવા મળતી હોય છે. એટલે ટેક્સની ફરિયાદોના નિવારણ માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનેક અરજદારોએ ભાગ લીધો હતો.પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સવારથી જ ઝોનની ઓફિસ પર નાગરિકો પોતાની ફરિયાદો લઈ પહોંચ્યા હતા. દરેકને પોતાની સંબંધિત ફરિયાદ માટે અધિકારી-કર્મચારીઓએ સાંભળ્યાં હતા.
અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે આવેલી ઝોનલ ઓફિસ ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેકસ સંબંધિત ફરિયાદો જે પણ નાગરિકોને હોય તે અહીંયા આવી પ્રોપર્ટી ટેક્સના બિલોમાં રહેલી ક્ષતિઓ દુર કરાવી રહ્યા છે. ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા નાગરિકોએ જણાવ્યું હતું કે, ટેક્સ બિલમાં નામ અપગ્રેડેશન કે નામ બદલવા માટેની જે પણ સંબંધિત ફરિયાદો માટે આ કેમ્પથી લાભ થયો છે. કારણે અગાઉ અરજીઓ આપી હતી છતાં એનું નિરાકરણ કરાયું નહોતું હવે સ્થળ પર જ કોઈ ક્ષતિ હોય તો તેનું નિરાકરણ કરવામાં આવે છે.
મ્યુનિ.ના ટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેક્સધારકો તરફથી વિવિધ પ્રકારની અરજીઓ આવતી હોય છે. જેવી કે, નામ ટ્રાન્સફર, નવી આકારણી, ક્ષેત્રફળ અથવા પરિબળમાં સુધારા અંગે અરજી, ખાલી/બંધ અંગે તથા અન્ય પ્રકારની અરજીઓ, પ્રોપર્ટી ટેક્સ અંગેના પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય, તથા કરદાતાઓની બાકી અરજીઓનો ઝડપી નિકાલ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા તમામ ઝોનમાં “પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. 18 એપ્રિલે સવારે 10.30થી 2 તથા 3થી 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઓફિસો પર રાખવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમના કારણે પેન્ડીંગ રહેલી અરજીઓનો તથા નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ટેક્સધારકો દ્વારા અરજી સંદર્ભના તમામ જરુરી પુરાવાઓ રજુ કરી તેમાં નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલિંગમાં ભૂલો તથા સરનામામાં જરૂરી ફેરફારની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે. ટેક્સ ઘટાડાની અરજી, ક્ષેત્રફળ અથવા પરિબળ ઘટાડવાની, ખાલી-બંધ વગેરે તેમજ અન્ય અરજી સ્થળ ઉપર જ સ્વીકારી અરજદારને રિસિપ્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ જે તે ઝોનલ કચેરી દ્વારા અરજદારની અન્ય અરજીઓ જેવી કે, ઘટાડાની અરજી, ક્ષેત્રફળ અથવા પરિબળ ઘટાડવાની, ખાલી-બંધ વગેરે અરજીઓના નિકાલ માટે સ્થળ તપાસ કરી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી.