Site icon Revoi.in

કોરોનાના સંભવિત ત્રીજા વેવના ડરને લીધે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ લોકમેળા નહીં યોજાય

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રેમી વધુ હોય છે. જેમાં શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. સાતમ-આઠમના પર્વની તો ભારે રંગેચંગે ઊજવણી કરવામાં આવતી હોય છે. હાલ રાજ્યમાં કોરોનાનો રાગચાળો કાબુમાં આવી ગયો છે, અને કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે સરકારે તમામ નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. જોકે કોરોનાના સંભવિત ત્રીજા વેવને લીધે આ વર્ષે લોકમેળાઓ યોજવાની મંજુરી આપવામાં નહી આવે. આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાઓ નહીં યોજાય.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના સંભવિત થર્ડ વેવને ધ્યાનમાં રાખીને શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા રદ કરવાના નિર્ણય લેવાઇ રહ્યા છે. રાજકોટનો લોકમેળો રદ થશે તેવું નિશ્ચિત થઇ ગયા બાદ પોરબંદરનો લોકમેળો રદ કરવા વહીવટી તંત્રે નિર્ણય કર્યો હતો. જેના પગલે મોરબી નગરપાલિકાએ પણ લોકમેળો નહીં યોજવા નિર્ણય કર્યો છે.

રાજકોટના લોકમેળો નહીં જ યોજાય તેવું આમ તો અઠવાડિયા પૂર્વે જ કલેકટરના અધ્યક્ષસ્થાને બનેલી લોકમેળા સમિતિએ નકકી કરી લીધુ હતું. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ મીડિયા સમક્ષ સતાવાર સમર્થન આપ્યું હતું. જાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જુનાગઢ ખાતેની એક મુલાકાત દરમિયાન એવું સ્પષ્ટ કહ્યું હતું કે સંભવિત થર્ડ વેવને જોતા લોકમેળા જેવી ભીડ ભેગી નહીં જ થવા દેવાય. ત્યારથી જ નિશ્ચિત થઇ ગયું હતું કે શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા આ વર્ષે પણ નહીં થાય. રાજકોટનો લોકમેળો નહીં યોજાય તેવું અઠવાડિયા પૂર્વે જ નકકી થઇ ગયા બાદ પોરબંદરમાં પણ લોકમેળો રદ કરાયો છે..

મોરબી નગરપાલિકાએ પણ લોકમેળો નહીં યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયાએ જણાવ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેરનો ખતરો હજુ મંડરાઇ રહ્યો છે ત્યારે લોકમેળા જેવા આયોજન જોખમી બની શકે છે. રાજકોટ, મોરબી, પોરબંદર આમ ત્રણેય શહેરોમાં સ્થાનિક વહીવટી તંત્રે લોકમેળા રદ કર્યા તેના પરથી એ વાત સ્પષ્ટ થઇ ચુકી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે લોકમેળા વગર જ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવાની રહેશે. શ્રાવણ મહિનો એ સૌરાષ્ટ્રવાસીઓ માટે લોકમેળાની મોસમ હોય છે. રાજકોટમાં યોજાયા બાદ ગામે ગામ નાના મોટા મેળા યોજાય છે. જેમાં જડેશ્વર, ઘેલા સોમનાથ, ઇશ્વરીયા, ઓસમ ડુંગર અને સૌથી મોટો એવો તરણેતરનો ભાતીગળ મેળો યોજાય છે. આ તમામ મેળા આ વર્ષે પણ નહીં યોજાય એવું નિશ્ચીત બની ગયું છે.