Site icon Revoi.in

ગુજરાતમાં શિક્ષકો સહિત કર્મચારીઓ માટે હવે લાંબી રજાના નિયમો બદલાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં વસવાટ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ તમામ શાળાઓમાં તપાસ હાથ ધરતા વધુ કેટલાક કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. આથી ગુજરાત સરકાર હવે સફાળી જાગી છે. શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ માટે રજાના નિયમોમાં મોટા ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે, હવે લાંબી રજા પર જનારા શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ માટે ખાસ નિયમો બનશે. માંદગી અને અંગત કારણો સહિતના કિસ્સામાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારાં કર્મચારીઓ માટે આ નવા નિયમો લાગુ થશે.

 

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વગર રજાએ સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. 234 શિક્ષકોને સરકારે બરતરફ કર્યા છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકો અને કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સરકારના અન્ય વિભાગોમાં પણ સતત ગેરહાજર રહેતા કર્મચારીઓની તપાસ કરવામાં આવશે. જે કર્મચારી નિયત કારણ આપીને કપાત પગારે પણ લાંબી રજા પર ઉતરવાના હોય તેમની વખતોવખત ખરાઇ કરવામાં આવશે. જો આ ખરાઇ દરમિયાન કર્મચારી બિનજરૂરી રીતે કે વિદેશમાં જવાના કિસ્સામાં રજા પર ગયેલા પકડાશે તો તેમના વિરુદ્ધ નિયમાનુસાર બરતરફી સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાજેતરમાં વિભાગના સચિવ મુકેશ કુમાર સાથે અડધો કલાક સુધી બેઠક લીધી હતી અને તેમાં રાજ્યભરમાં શિક્ષણ વિભાગમાં કામ કરતાં આવાં અનિયમિત કર્મચારીની તપાસ કરવાની સૂચના આપી છે. સચિવ સાથેની બેઠક બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 17 જિલ્લામાં 63 શિક્ષકો અનિયમિત અથવા ગેરહાજર મળી આવ્યા છે અને હજુ તપાસ ચાલું છે. તમામ જિલ્લા કક્ષાએથી વિગતો માંગવામાં આવી રહી છે. વિદેશ ગયેલાં શિક્ષકોને પગારની ચૂકવણી થઇ નથી, તેઓ કપાત પગારે ગયાં છે. તેમ છતાં નિયમભંગ કરનારાં કર્મચારી વિરુદ્ધ પગલાં લેવાશે તથા પગાર ચૂકવાયો હશે તો તેની રીકવરી પણ કરાશે.

#GujaratEducation #TeacherDismissal #LongLeave #GovernmentAction #EducationDepartment #TeacherDiscipline #GujaratNews #EmployeeRegulations #EducationReforms #StateEducation #TeacherConduct #LeavePolicy #AdministrativeAction #PublicSector #TeacherAccountability #GovernmentPolicy #GujaratUpdates