અમદાવાદમાં ખાનગી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ માટે લાગતી લાંબી લાઈનો
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ રોજબરોજ વધતા જાય છે. શનિવારે શહેરમાં 1409 કેસ નોંધાયા હતા અને 14ના મોત નિપજ્યા હતા. લોકોમાં કોરોનાનો ભય વ્યાપી ગયો હોવાથી સામાન્ય શરદી,ઉધરસ કે તાવ આવ્યો હોય તો પણ શહેરીજનો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે દોડી જાય છે. આથી ખાનગી લેબોરેટરીમાં પણ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવા લોકોની ભીડ જોવા મળી રહી છે.
શહેરના પરિમલ ગાર્ડન પાસેની એક ખાનગી લેબોરેટરીમાં સવારે 9 વાગ્યે તપાસ કરાવવા આવેલા લોકોના બપોરે 2 વાગ્યા સુધી સેમ્પલ લેવામાં આવ્યા નહોતા. બપોરે એક વાગ્યા સુધી 700 નંબર સુધી લોકોને ટોકન વહેંચવામાં આવ્યા હતા. જેમના સેમ્પલ લેવાઈ ગયા હતા તેમને રિપોર્ટ માટે 72 કલાક રાહ જોવા કહેવામાં આવ્યું હતું. આવી જ હાલત શહેરની અન્ય ખાનગી લેબની છે. ઉપરાંત મ્યુનિના અર્બન હેલ્થ કેન્દ્રો પર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તો મોટાભાગના લોકો પોતાના ઘરે જ કોરન્ટાઈન થવાનું પસંદ કરતા હોય છે. પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય કે શરીરમાં ઓક્સીજન લેવલ ઘટતું હોય તો જ લોકો હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. એક ખાનગી લેબ. ટેકનિશિયનના કહેવા મુજબ લેબોરેટરીમાં દરરોજ 1000થી વધુ RT-PCR ટેસ્ટ થાય છે જેમાં લગભગ 600 કેસ પોઝિટિવ આવે છે. ઘણી વખત બાકી રહી જતા ટેસ્ટને બીજા દિવસ ઉપર શિફ્ટ કરાતા હોય છે. ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવા માટે 1થી 2 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે.