અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને બેથી 3 દિવસનો વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનો નિર્દેશ કર્યો હતો. જે બાદ લોકડાઉનની અફવા વાયુવેગે ફેલાઈ હતી. જેથી અમદાવાદમાં મોલ અને કરિયાણાની દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. દરમિયાન હાઈકોર્ટે કર્ફ્યુ અંગે સરકારને ટકોર કરી છે. જેથી આ અંગે સરકાર દ્વારા એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ કર્ફ્યુ અંગે નિર્ણય કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં ફરી લોકડાઉન-કર્ફ્યુની અટકળો વહેતી થઈ હતી. જેથી શહેરીજનો વિવિધ મોલ અને કરિયાણાની દુકાનો ઉપર દોડી ગયા હતા. જ્યાં જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી હતી. જેથી અનેક સ્થળો ઉપર કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.