સુરત: શહેરમાં હીરા તેમજ કાપડ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. પાવરલૂમ્સ અને કાપડ ઉદ્યોગમાં મોટા ભાગના શ્રમિકો યુપી, બિહાર, મધ્ય પ્રદેશના છે. શ્રમિકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ઘણાબધા શ્રમિકોને બોનસ મોડા મળવાને લીધે ટ્રેનોમાં બુકિંગ મોડા કરાવ્યા હતા. હવે છેલ્લા બે દિવસથી સુરતના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી ભીજ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા છે. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. ટ્રેનમાં બેસવા જગ્યા ન મળતા અનેક પરિવાર વતન જઈ શક્યા નથી. ટીકીટ હોવા છતાં અનેક મુસાફરોને ટ્રેનના ડબ્બામાં જગ્યા મળી નથી.
સુરત શહેરમાં પરપ્રાંતિ લોકોનો મોટી સંખ્યામાં વસવાટ છે. દિવાળીના તહેવારોમાં ઉદ્યોગ ધંધામાં વેકેશન હોવાથી ખાસ કરીને પરપ્રાંતના શ્રમિકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતનની વાટ પકડતા હોય છે. હાલ પરપ્રાંત જતી તમામ ટ્રેનો ભરચક દોડી રહી છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશને ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં 70 જેટલા લોકો બેસી શકે તેટલા ડબ્બામાં 250 જેટલા લોકો બેસીને મુસાફરી કરી રહ્યા છે. સ્ટેશન પર ભારે ધસારો જોવા મળતા પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે.
સુરત શહેરમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોના લોકો રોજગાર અર્થે વસે છે. શહેરમાં રહેતા આ પરપ્રાંતિ લોકોએ પણ પોતાના વતન ઉત્તર ભારત તરફ જવા પ્રયાણ કર્યુ છે. ટ્રેનમાં 1700 પ્રવાસીઓની ક્ષમતા સામે 5000થી વધુ પેસેન્જર્સ હકડેઠઠ મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન ભરાઈ જવાના કારણે મોડી રાતથી અને વહેલી સવારથી લાઈનમાં બેઠેલા ઘણાં મુસાફરોએ પરત ફરવાનો વારો આવી રહ્યો છે. ટ્રેનમાં ચડવા માટે ભારે ભીડ હોવાના કારણે ઘણાં મુસાફરો ઈમર્જન્સી વિન્ડોમાંથી પણ ટ્રેનમાં ચઢતા જોવા મળ્યા હતા.