અમદાવાદઃ દિવાળીના પર્વને એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જુદાજુદા શહેરોમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જવા માટે ટ્રેનોમાં બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જાય છે. જેના પગલે અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક ટ્રેનોમાં સ્લીપર, થર્ડ એસી અને સેકન્ડ એસીમાં મોટી સંખ્યામાં વેઈટિંગમાં પણ ટિકિટો બુક થઈ છે. જેમાં સ્લીપરમાં વેઈટિંગ 200થી વધુ અને કેટલીક ટ્રેનોમાં 300થી વધુ નોંધાયું છે. જ્યારે કેટલીક ટ્રેનોમાં નોરૂમ પણ થઈ ગયું છે, જેના કારણે લોકોને ટિકિટ, વેઈટિંગ ટિકિટ પણ મળતી નથી.
ગુજરાતમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત પરપ્રાંતના અનેક લોકો વર્ષોથી સ્થાયી થયેલા છે. અને દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જતાં હોય છે. દિવાળી પર્વને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે લોકો ટ્રેનોનું બુકિંગ કરાવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ તો 120 દિવસ પહેલાંથી જ ટ્રેનોમાં બુકિંગ કરાવી લીધું છે. તેમાં પણ સ્લીપર કોચમાં બુકિંગ સૌથી વધુ હોવાની સાથે ટ્રેનોમાં વેઈટિંગ 200થી 300 સુધી પહોંચી ગયું છે. આ જ પરિસ્થિતિ સીટિંગ કોચમાં પણ છે, જેમાં વેઈટિંગ 100ને પાર છે. દરમિયાન પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનો હાઉસફુલ થતાં ટ્રેનોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવશે. એજ રીતે જે રૂટની ટ્રેનમાં તેની ક્ષમતાથી 150 ટકા વેઈટિંગ હશે તે રૂટ પર જરૂરિયાત મુજબ ક્લોન ટ્રેન દોડાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.