પટણાઃ ઉત્તરભારત સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી જનજીવનને વ્યાપક અસર પડી છે, એટલું જ નહીં હિટવેવને પગલે અનેક લોકોની તબિયત પણ લથડી છે. બિહારના ઔરંગાબાદમાં લૂના કહેરથી 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે અન્ય 35 લોકોને લૂની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
ઉત્તર ભારતમાં અત્યારે ઘાતક ગરમી પડી રહી છે. હીટ વેવ અને લૂના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે બિહારના ઔરંગાબાદમાં લૂના કહેરથી 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે અન્ય 35 લોકોને લૂની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જિલ્લામાં વધતા તાપમાનથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ હોસ્પિટલમાં લૂ લાગવાથી થતી બીમારીઓમાં દર્દીની સારવાર માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે બેગુસરાય, મુઝ્ઝફરપુર અને પૂર્વી ચંપારણ સહીત અનેક વિસ્તારોમાંથી સરકારી શિક્ષકો પણ બેભાન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
બીજી તરફ ઉત્તરપશ્ચિમ અને મધ્યભારતમાં લૂનો કહેર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. છતાં પણ ગતરોજ રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી ઊંચું તાપમાન 48.3 નોંધાયું હતું. મધ્યપ્રદેશના સીધીમાં 48.2 ડીગ્રી, ઉત્તરપ્રદેશના વારાણસીમાં 47.8 ડીગ્રી, હરિયાણાના રોહતક અને નારલોનમાં તાપમાન 47.5 ડીગ્રી સુધી પહોંચ્યું હતું.
દરમિયાન દક્ષિણ ભારતના કેરળમાં ગઈકાલે ગુરુવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે, હવે ચોમાસુ ધીમે ધીમે ઉતર તરફ આગળ વધશે. જેના પરિણામે હવે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની આશા છે.