1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમા કરીને લાખો ભાવિકોને દર્શન આપીને નીજ મંદિર પરત ફર્યા
ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમા કરીને લાખો ભાવિકોને દર્શન આપીને નીજ મંદિર પરત ફર્યા

ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમા કરીને લાખો ભાવિકોને દર્શન આપીને નીજ મંદિર પરત ફર્યા

0
Social Share

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની પરિક્રમા કરીને મોડી સાંજે નીજ મંદિરે પરત ફર્યા હતા. શહેરમાં આજે અષાઢી બીજે યોજાયેલી રથયાત્રા ભારે આનંદોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. સાજં ભક્તોનો ધસારો વધી જતાં મંદિરમાં થોડા સમય માટે ભક્તોનો પ્રવેશ બંધ કરાયો હતો. દરમિયાન મંદિરના મહંત સહિત ટ્રસ્ટીગણે બંદોબસ્તમાં ભારે જહેમત ઉઠાવવા બદલ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

અમદાવાદ શહેરમાં બે વર્ષ બાદ આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથ,  મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં હતા. આજે વહેવી પરોઢે 5.30 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથજી,સુભદ્રાજી અને બલરામજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુરથી નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં હતા. શહેરના નિયત માર્ગો પર ફરીને ભાવિક-ભક્તોના ખબર-અંતર પૂછીને ભગવાન મોડી સાંજે નીજ મંદિર પરત ફર્યા હતા. ભગવાન  જગન્નાથજી સહિત ત્રણેય રથોનું શહેરીજનો દ્વારા અનેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતું. અને ભગવાનના દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા. શહેરમાં રથયાત્રા દરમિયાન શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રથયાત્રા દરમિયાન કોમી અખલાસ પણ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રીઓ માટે શરબત, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ વ્યવસ્થામાં જોડાયા હતા.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના રથના રથ નીજ મંદિર પરત ફર્યા હતા. જમાલપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રથમ ગજરાજો મંદિર પહોંચી ગયા હતા.ત્યારબાદ રથ નીજ મંદિરે પરત ફર્યા હતા.

રથયાત્રા દરમિયાન આજે પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. થ્રી લેયર સુરક્ષા રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવા ઉપરાંત માર્ગ પર ફેસ ડીટેક્ટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોનથી પણ વોચ રાખવામાં આવી હતી. હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા. 2500 બોડીવોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઠ સ્થળોએ મીની કંટ્રોલ રુમ ઉભા કરવામાં આવ્યા હતા. વિવિધ રેન્કના 25000 જવાનોને સુરક્ષા માટે તૈનાત કરાયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code