ભગવાન જગન્નાથજી આગામી વર્ષે નવા રથમાં નગરચર્યાએ નીકળશે
અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન મંદિરના મહંત દિલીપ દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે.
અમદાવાદમાં 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી ઐતિહાસિક રથયાત્રામાં રથનું આગવું મહત્વ છે. ભગવાન રથમાં સવાર નથી હોતા ત્યારે ભાવિકો રથને જ ભગવાનની પ્રતિકૃતિ માનીને દર્શન કરે છે. અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા.
અમદાવાદમાં વર્ષો પહેલા ગાડામાં રથયાત્રા નીકળતી હતી. ભગવાનના રથને નાળિયરીના લાકડાંથી બનાવવામાં આવતા હતા અને રથના દોરડાં શુંખચૂડ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1985માં સરજૂ નામના હાથીએ પોલીસ વાનને હટાવીને રથયાત્રા માટે સંકેત આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે બે વર્ષથી શહેરમાં રથયાત્રા યોજાઈ ન હતી. દરમિયાન આજે અષાઢી બીજના દિવસે ભગવાનની પરંપરાગત રથયાત્રા નીકળી છે. રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. સરસપુરમાં ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનું મામરે કરવામાં આવ્યું હતું. તેમજ 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. શ્રદ્ધાળુઓ માટે સરસપુરમાં પ્રસાદ માટે પુરી, શાક, ફુલવડી સહિતના મીષ્ટાન બનાવવામાં આવ્યાં હતા.