ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ સમગ્ર રૂટ ઉપર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
- અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને કરાયાં તૈનાત
- અન્ય જિલ્લામાંથી બોલાવાયાં પોલીસ કર્મચારીઓ
- ત્રણેય રથ ખેંચનારા ખલાસીઓની યાદી સોંપાઈ
અમદાવાદઃ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળશે. જો કે, કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય લેવાય છે તેની ઉપર શ્રદ્ધાળુઓની નજર મંડાયેલી છે. જો કે, મંદિર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રથયાત્રાને લઈ ને મંદિર પરિસરમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. રૂટમાં આવતાં પોલીસ સ્ટેશન સિવાયનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ અને 50થી 70 પોલીસકર્મીઓને રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત માટે બોલાવાયા છે. એટલું જ નહીં અન્ય જિલ્લામાંથી બોલાવાયેલા પોલીસ કર્મચારીઓ આજે અમદાવાદ આવી પહોંચે તેવી શકયતા છે. આ ઉપરાંત મંદિર બહાર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે દર્શન કરવા આવનાર ભક્તો સામાજિક અંતર જાળવે, માસ્ક પહેર તે અંગેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
બીજી તરફ રથને ખેંચવા માટે 40ને બદલે 70 ખલાસીઓને રાખવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન આજે ત્રણેય રથ ખેંચવા માટે 120 ખલાસીઓની યાદી મંદિરને સોંપવામાં આવી છે. આ તમામ ખલાસીઓએ કોરોનાની રસી મેળવી છે.