નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી.
ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, “રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. કૃપા કરીને તમારા મનમાંથી આ ખ્યાલ દૂર કરો. ભગવાન રામ એ તમામ લોકોના ભગવાન છે જેઓ તેમનામાં આસ્થા ધરાવે છે, પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિયન હોય.”
નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, “જે લોકો તમારી પાસે આવીને કહે છે કે અમે જ રામના ભક્ત છીએ તે વાસ્તવમાં મૂર્ખ છે. તેઓ રામના નામનો લાભ લેવા માંગે છે. તેઓ રામને પ્રેમ કરતા નથી પણ શક્તિને ચાહે છે. મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જાહેર થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સામાન્ય માણસનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
બિનભાજપા પાર્ટીઓની એકતાના મુદ્દે ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, નેશનલ કોન્ફરન્સ હોય કે પેન્થર્સ પાર્ટી. અમે સામાન્ય લોકો માટે લડીશું અને મરીશું પણ અમે બધા એકજૂટ રહીશું.”
ફારુક અબ્દુલ્લાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પણ સવાલો ઉઠાવ્યા અને લોકોને ચૂંટણી દરમિયાન તેના ઉપયોગ અંગે ખૂબ જ સાવધ રહેવા કહ્યું હતું. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો સામે લોકોને ચેતવણી પણ આપી હતી.