નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી લોકસબા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા કોમી રમખાણ કરાવશે. લોકોને કોઈપણ ઉશ્કેરણીમાં દોરવાય નહીં જવાની અપીલ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાપજ 17 એપ્રિલે રામનવમી પર કોમવાદી ભાવનાઓ ભડકાવશે. બંગાળમાં સત્તાધારી ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યુ છે કે રામ તો તમને નથી કહેતા કે તમે હુલ્લડ કરો. પંતુ આ લોકો (ભાજપ) હુલ્લડ કરાવશે અને હુલ્લડ કરાવીને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને રાજ્યમાં દાખલ કરાવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે તેમણે આરોપ લગાવ્યો છે કે તમને (ભાજપ) એક વાત કહીશ રેલિઓ આયોજીત કરો. પરંતુ હુલ્લડ કરાવશો નહીં. 19 એપ્રિલે મતદાન થશે અને 17 એપ્રિલે હુલ્લડ કરશે. ભગવાન રામે તમને હુલ્લડ ભડકાવવા માટે કહ્યું નથી. પરંતુ તેઓ આમ કરશે અને પછી એનઆઈએને લાવશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય એજન્સીઓ ટીએમસીના નેતાઓને ભાજપમાં સામેલ થવા અથવા કાર્યવાહીનો સામનો કરવા માટે કહી રહી છે. પુરુલિયા જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ઈડી, સીબીઆઈ અને એનઆઈએ તથા ઈન્કમટેક્સ વિભાગ જેવી એજન્સીઓ ભાજપના હથિયાર તરીકે કામ કરી રહી છે.
તેમણે કહ્યું છે કે ટીએમસીના નેતાઓને પરેશાન કરવા માટે એનઆઈએ, ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓનો ઉપયોગ કરાય રહ્યો છે. તે કોઈપણ આગોતરી જાણકારી વગર દરોડા પાડી રહી છે અને ઘરોમાં ઘૂસી રહી છે. જ્યારે રાત્રે તમામ લોકો સુતા હોય અને કોઈ તેમના ઘરમાં ઘૂસી જાય તો મહિલાઓ શું કરશે.
મમતા બેનર્જી ભૂપતિનગરમાં શનિવારની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં એક વિસ્ફોટના કેસમાં બે આરોપીઓને એરેસ્ટ કરવા ગયેલી એનઆઈએની ટીમ પર ભીડે હુમલો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે એજન્સીઓ અમારા નેતાઓ અને કાર્યકર્તાઓને યા તો ભાજપમાં સામેલ થવા નહીંતર કાર્યવાહીનો સામનો કરવા માટે કહી રહી છે.
તેમણે કહ્યુ છે કે ચૂંટણી પંચ હજી અમને નાણાં આપવાની મંજૂરી નહીં આપે. ચૂંટણી બાદ અમે ગરીબોના ઘર બનાવીશું.
બેનર્જીએ કહ્યું છે કે રાજ્ય સરકારપોતાની યોજનાઓ હેઠળ ગરીબોને કામ આપશે. તેમણે કહ્યુ છે કે જો શક્ય થશે તો આ વર્ષે અમે 60 દિવસ કામની વ્યવસ્થા કરીશું. સીએમએ કહ્યુ છે કે તેમની સરકારે પીએમ-આવાસ હેઠળ ઘર મેળવવા પાત્રા 11 લાખ લોકોની યાદી કેન્દ્રને મોકલી હતી. પરંતુ ભાજપ તે લિસ્ટની ડિટેલ્સનો ઉપયોગ ચૂંટણી ઉદેશ્યો માટે કરી રહ્યું છે અને લોકોને ફોન કરીને નવેસરથી અરજી કરવા માટે કહી રહ્યું છે.
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે મહેરબાની કરીને કોઈ અરજી કરશો નહીં. ચૂંટણી બાદ અમે રાજ્યના પોતાના ફંડમાંથી તમામ 11 લાખ લોકોના મકાન બનાવીશું. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે ટીએમસીના નેતાઓ દ્વારા કથિત ગેરરીતિઓની જાણકારી માટે રાજ્યમાં 136 ટીમોને મોકલી છે. પરંતુ તપાસમાં શું નીકળ્યું, મહેરબાની કરીને શ્વેતપત્ર જાહેર કરો.