અમદાવાદઃ શહેરના લાલદરવાજા વિસ્તારમાં ભદ્ર નજીક જાહેર રસ્તાઓ પર દબાણો હોવાથી ટ્રાફિકને અડચણ પડી રહી છે. રસ્તાઓ પર લારીઓ લઇ ઉભા રહેતા કેટલાક ફેરિયા રાત્રે તે સ્થળે જ લારીમાં સામાન યથાવત રાખીને ત્યાં જ છોડીને ચાલ્યા જતાં હતા. મ્યુનિ. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે આવી માલ-સામાન ભરેલી 17થી વધુ લારીઓ ઉઠાવી લીધી હતી. આ ઉપરાંત વિવિધ બ્રિજ પર દબાણો કરી ધંધો કરતા ફેરિયાઓને પણ હટાવવામાં આવ્યા છે.
શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ભદ્ર વિસ્તારમાં રસ્તાઓ પરના લારીઓના દબાણો દુર કરાયા હતા. ઉપરાંત શહેરના સરદારનગર વોર્ડમાં જોગણી માતા મંદિરથી અક્ષરધામ સોસાયટી સુધીના રોડને ખુલ્લો કરવા માટે મ્યુનિ.એ 5 કોમર્શિયલ અને 10 રહેણાકના મકાનો તોડી પાડ્યા હતા. 19 મકાનોના ઓટલા પ્રકારના બાંધકામ તોડી પડાયા હતા. આ ઉપરાંત શહેરના ઠક્કરબાપાનગરમાં 12 લારી જપ્ત કરાઈ હતી. તથા અન્ય કાચા શેડ તોડવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં પણ અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ 22 લારીઓ જપ્ત કરવામાં આવી છે. પૂર્વમાં ઓઢવ ખાતે દરિયાલાલ ટ્રેડર્સ, દિવ્યપ્રભા સોસાયટીના નાકે કોમર્શિયલ પ્રકારના બાંધકામને તોડી પડાયું હતુ. બાંધકામ કરનારા પાસેથી રૂ. 35 હજારની વસૂલાત કરાઇ છે. તથા રોડ પર દબાણ કરતાં 233 યુનિટ પાસેથી રૂ. 22 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો છે. પશ્ચિમ ઝોનમાં પણ જાહેર માર્ગ ઉપર ઘાસચારો વેચનાર સામે તવાઇ લાવવામાં આવી હતી. જાહેર રોડને નુકસાન કરનારા 3 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ અપાઈ છે. ઇડબલ્યુએસના આવાસો લાગ્યા બાદ હપ્તા સમયસર નહીં ભરનાર 16 સ્કીમના લોકોને જાહેર ચેતવણી આપવામાં આવી છે. (file photo)