અમદાવાદઃ કચ્છના દરિયાકાંઠે ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક અસર થઈ હતી. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ખેતરો ધોવાયાં હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયાં હતા. વાવાઝોડાને પગલે વીજ કંપનીને લગભગ 100 કરોડથી વધારે નુકશાનનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડુંને ગુજરાત એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં એસટી બસના અનેક રૂટ રદ કરવામાં આવી હતી. એસટી નિગમને પણ વાવાઝોડાને પગલે લગભગ 10 કરોડથી વધારેનું નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ કચ્છના માંડવી નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જો કે, વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર-પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ એસટી તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે ચાર દિવસમાં ચાર હજારથી વધારે ટ્રીપ રદ કરવામાં આવી હતી. જો કે, વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્થળાંતરને પગલે સ્થળાંતરીત વ્યક્તિઓને સલામત સ્થળ ઉપર લઈ જવા માટે જે તે વિસ્તારમાં એસટી બસ ફાળવવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાને પગલે એસટી નિગમને ચારક દિવસના સમયગાળામાં લગભગ 10 કરોડથી વધારેનું નુકશાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્થળાંતર કરાયેલા પીડિત પરિવારને કેશડોલ ચુકવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી વીજ પુરવઠો યથાવત કરવા માટે વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડાને પગલે વીજ કંપનીને પણ કરોડોનો નુકશાન થયાનું મનાઈ રહ્યું છે.