- લોથલ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
- પ્રાચીન સંસ્કૃતિ થશે જીવંત
- ધોળાવીરા બાદ હવે લોથલ તરફ વળ્યા પ્રવાસીઓ
ગુજરાતમાં આમ તો કેટલીક એવી જગ્યા છે કે જે મુલાકાતીઓ તથા પ્રવાસીઓ માટે પ્રિય જગ્યા છે. ત્યાં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે આવતા હોય છે. તો એવી જ એક જગ્યા છે કે જે ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરે છે. ગુજરાતમાં ધોળાવીરાને વર્લ્ડ હેરીટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે ઐતિહાસિક લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલનું નિર્માણ કરવા માટે પારસ્પરિક સહયોગના ઉદ્દેશથી કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ સાંસ્કૃતિક મંત્રાલયે સમજૂતી કરાર કર્યા છે. આ કરારથી દેશના સમુદ્રી ઇતિહાસ અને સાગરકાંઠાની પરંપરા પ્રદર્શિત કરવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદ શહેરને જે રીતે હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું તેમ આ સ્થળ પણ એટલુ જ મહત્વનું છે. દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે જે ભારતના સમુદ્રી વારસા માટે સમર્પિત હશે. આ સંકુલ અમદાવાદથી 80 કિલોમીટર દૂર લોથલની એએસઆઇ સાઇટની નજીકમાં કરવામાં આવશે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની રહેશે. ધોળાવીરાની જેમ લોથલ પણ વિશ્વના નકશામાં કેદ થઇ જાય તે માટે કેન્દ્ર અને ગુજરાત સરકારે ટૂંકમાં કામ શરૂ કરવાની તૈયારી કરી છે.
લગભગ 400 એકરના વિસ્તારમાં આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઇટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારિત હોટેલો અને મેરિટાઇમ થીમ આધારિત ઇકો રિસોર્ટ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યુટ વગેરે સહિત વિવિધ અનન્ય માળખાઓને સમાવી લેવામાં આવશે. આ તમામ નિર્માણ તબક્કાવાર રીતે કરવામાં આવશે.
જો વાત કરવામાં આવે આ સંકુલની વિશેષતાની તો અહીં પ્રાચીન લોથલ શહેરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવશે જે ઇ.સ. પૂર્વે 2400ના સમયની સિંધુ ખીણ પ્રદેશની સંસ્કૃતિનું મુખ્ય શહેર હતું. આ ઉપરાંત, વિવિધ યુગકાળ દરમિયાન ભારતના સમુદ્રી વારસાના ઉત્કર્ષનું પણ વિવિધ ગેલેરીના માધ્યમથી પ્રદર્શન કરવામાં આવશે. NMHCમાં સમુદ્ર કિનારો ધરાવતા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું અલગ પેવેલિયન રહેશે જ્યાં જે-તે પ્રતિનિધિ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના કલાત્મક/સમુદ્રી વારસાનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પરિયોજનાનું નિર્માણ કરવા માટે, જમીનનું હસ્તાંતરણ કરવાની ઔપચારિકતા પૂરી કરી દેવામાં આવી છે અને પર્યાવરણ અંગેની મંજૂરી સહિત જમીન સંબંધિત તમામ મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. સંકુલમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે મેરિટાઇમ અને નેવલ થીમ પાર્ક, સ્મારક પાર્ક, આબોહવા પરિવર્તન થીમ પાર્ક, એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ પાર્ક જેવા વિવિધ થીમ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવશે જે લોથલ આવતા મુલાકાતીઓને એક સંપૂર્ણ પર્યટન મુકામનો અનુભવ આપશે.