ભારે વિરોધ વચ્ચે સાબરકાંઠાની બેઠક પર કમળ ખીલ્યુ : પૂર્વ શિક્ષિકા હવે અધુરા ક્લાસ દીલ્હીમાં લેશે
ખેડબ્રહ્મા : તા.16 ફેબ્રુઆરીના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કોને મળશે ટીકીટ ? થી લઈને હવે કોણ જીતશે ? વચ્ચેનો આજે આતુરતાનો અંત આવ્યો હતો. જયારે સાબરકાંઠા બેઠક પર જેમણે સેન્સ આપ્યા હતા તેના આશ્ચર્ય વચ્ચે સૌપ્રથમ અરવલ્લી ના ભીખાજી ઠાકોરને ભાજપે ટીકીટ આપી હતી અને તેઓ ઠાકોર – ડામોર વચ્ચે ફસાતાં ભાજપે તેમને ધીમે રહીને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ભાજપે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નિ અને શિક્ષકા શોભનાબેન બારૈયા પર ઉમેદવાર પસંદગીકારોએ કળશ ઢોળીને તખ્તો તૈયાર કરતાં આયાતી ઉમેદવાર તરીકેની છાપ લઈને આવતાં તેમના માટે કપરાં ચઢાણની શરુઆત થતાં સમગ્ર જીલ્લામાં ભારે વિરોધ થયો હતો.
ઠેર ઠેર વિરોધ થતાં ભાજપ હાઈકમાન્ડ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હષઁ સંઘવી સહીત અગ્રણી નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે હિંમતનગર દોડી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જાહેર સભા યોજાઈ હતી. વધુમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા અને જીલ્લા પંચાયત ના આદિવાસી મહીલા સદસ્ય વચ્ચે તુ તુ મે મે પણ થયુ હતુ. સાથે ક્ષત્રિયોનો વિરોધ તો ચાલુ હતો. આ બધા વચ્ચે શોભનાબેનની ઉમેદવારી બદલવાની માગણી યથાવત રહેલી તો હતી પછી માંડ માંડ મામલો શાંત પડતો ભાજપના દુલઁભ કાયઁકરો એક કમળ દિલ્હી મોકલવા માટે પ્રચારમાં જોતરાઈ ગયા હતા. પ્રચારમાં પણ ભાજપના દુલઁભ કાયઁકરોએ પાછળ વળીને જોયુ નથી. અને આજે સાબરકાંઠા બેઠકનુ એક કમળ દિલ્હી મોકલવામાં આવ્યુ હતુ.
સાબરકાંઠા બેઠક પર રસાકસી ચાલશે તેની અટકળો વચ્ચે હિંમતનગર પોલીટેકનીક કોલેજમાં જેમ જેમ રાઉન્ડ વધતા ગયા તેમ તેમ ભાજપના કાયઁકરોના ચહેરા પણ ખીલતા જોવા મળી રહ્યા હતા અને જ્યારે 1 લાખની લીડ પાર થઈ ત્યારે ધારાસભ્યો અગ્રણી નેતાઓ પણ બપોરે 1 વાગ્યા પછી મતગણતરી સ્થળ પર “ભારત માતાકી જય”, “જય શ્રી રામ” ના નારા સાથે જોવા મળી રહ્યા હતા. અને છેવટે 155027 મતોથી શોભનાબેન બારૈયાની જીત થતાં રાજકોટ અગ્નિકાંડના શોકમાં જીતને સાદગીથી વધાવી હતી. જ્યારે સાબરકાંઠાની જાહેર જનતાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને ખેડબ્રહ્માના ધારાસભ્ય તરીકે યથાવત રાખ્યા હતા.