Site icon Revoi.in

અડધી રાત્રે પાકિસ્તાનની બોર્ડર પર ગરજ્યા ભારતીય ફાઈટર જેટ્સ, દુશ્મનોને દેખાડયો દમ

Social Share

પંજાબમાં પાકિસ્તાનની સીમા નજીક જ્યારે ભારતીય વાયુસેનાની કવાયત ચાલી રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેના કારણે અમૃતસર શહેરમાં લોકોમાં તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી.

પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને ભારત સાવધાન છે. આ ઘટનાક્રમોમાં ભારતીય વાયુસેનાએ ગુરુવારે રાત્રે પંજાબમાં પાકિસ્તાનની સીમા નજીક કવાયત કરી હતી. આ કવાયતમાં મોટા પ્રમાણમાં ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનો સામેલ થયા હતા.

પંજાબમાં પાકિસ્તાનની સીમા પાસે જ્યારે ભારતીય વાયુસેનાની કવાયત ચાલી રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટના અવાજો સાંભળવા મળ્યા હતા. તેના કારણે અમૃતસર શહેરમાં લોકોમાં તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી. હકીકતમાં યુદ્ધાભ્યાસ દરમિયાન મોટી સંખ્યામાં વાયુસેનાના યુદ્ધવિમાનોએ પંજાબ અને જમ્મુ ક્ષેત્રની ઉપર સુપરસોનિક બૂમ તૈયાર કરી દીધી હતી. તેના કારણે યુદ્ધવિમાનોના પસાર થયા બાદ મોટા વિસ્ફોટના અવાજો સાંભળવા મળ્યા હતા.

હકીકતમાં પંજાબના અમૃતસર શહેરમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે બે મોટા અવાજ સંભળાવાને કારણે લોકો દહેશતમાં આવી ગયા હતા. તે સમયે આ મોટા અવાજ પાછળના કારણોની જાણકારી મળી શકી ન હતી. પરંતુ લોકોએ આનો ઉલ્લેખ સોશયલ મીડિયા પર કર્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ મીડિયા અહેવાલો પ્રમાણે અવાજ સંભળાવાની ઘટનાની પુષ્ટિ કરી હતી.

તો સ્થાનિક વહીવટી તંત્રે મોડી રાત્રે શહેરના લોકો વચ્ચે પહોંચીને લોકોને જણાવ્યુ હતુ કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે નહીં. એડીસીપી જગજીતસિંહ વાલિયાએ મોડી રાત્રે શહેરવાસીઓને કહ્યુ હતુ કે તેઓ લોકોને અપીલ કરે છે કે તેઓ સોશયલ મીડિયા પર અફવાઓ પર વિશ્વાસ કરે નહીં. બધું બરાબર છે. જાણકારી પ્રમાણે કંઈ જ થયું નથી.

આ પહેલા પાકિસ્તાનનું એક યુદ્ધવિમાન બુધવારે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા તથા નિયંત્રણ રેખા નજીક જોવા મળ્યું હતું. તેના પછી એર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ, ભારતીય હવાઈ સુરક્ષા પ્રણાલીએ પુંછમાં પાકિસ્તાની યુદ્ધવિમાનને સીમામાં 10 કિલોમીટર અંદર સુધી જોયું હતું. એક અધિકારીએ કહ્યુ છેકે 27 ફેબ્રુઆરીએ નૌશેરાના સેક્ટરમાં આવેલા પાકિસ્તાની યુદ્ધવિમાનને ખદેડીને તેની સીમામાં મોકલવામાં આવ્યું હતું. બાદમાં આ પહેલી ઘટના હતી કે જ્યારે પાકિસ્તાની યુદ્ધવિમાન પુંછ નજીક જોવા મળ્યું હતું.

ભારતે 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાની યુદ્ધવિમાનને ખદેડવામાં એક મિગ-21 બાઈસન યુદ્ધવિમાન ગુમાવ્યું હતું અને તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પીઓકેમાં ઈજેક્ટ થયા હતા અને તેમને ત્યાં પાકિસ્તાની એજન્સીઓએ પકડી લીધા હતા. આ પહેલા ડોગ ફાઈટમાં વિંગ કમાન્ડર અભિનંદનને પોતાના મિગ-21 બાઈસન દ્વારા પાકિસ્તાની એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડયું હતું.