લાઉડ સ્પીકરને લગતા નિયમો ધાર્મિક સ્થળોને પણ લાગુ પડશે, ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું
અમદાવાદઃ ગુજરાતમાં લાઉડ સ્પીકરના આડેધડ ઉપયોગને લઇને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતુ. આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરના ઉપયોગ અને લોકોને મુશ્કેલી પડે તે પ્રકારના ઉપયોગ સામે કાર્યવાહી કરાશે. તથા લાઉડ સ્પીકરને લગતા નિયમો ધાર્મિક સ્થળોને પણ લાગુ પડશે. આ અંગે આગામી દિવસોમાં નીતિ જાહેર કરાશે. આ સાથે રહેણાંક વિસ્તારમાં રાત્રે 45 ડેસીબલથી વધુ મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર અને દિવસે 55 ડેસીબલથી વધુ મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. તથા DYSP કક્ષાના અધિકારી ધ્વનિ પ્રદૂષણના કિસ્સામાં નોડલ ઓફિસર તરીકે કામગીરી કરશે. રાજ્ય સરકારે આ માટે જિલ્લા દીઠ નીમાયેલા અધિકારીઓની વિગતો પણ સોગંદનામાં રજૂ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની રિટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરાયું હતું. એમાં સરકાર દ્વારા અઝાન માટે અથવા તો ધર્મિક કાર્યક્રમો માટે લાઉડસ્પીકર વાપરવું હોય તો એ માટે પરવાનગી લેવી જરૂરી છે, તેમજ નોઈઝ પોલ્યુશન નિયમો અંતર્ગત દિવસ અને રાત્રિ દરમિયાન તેમજ કોમર્શિયલ તથા રહેણાક વિસ્તારમાં જે ડેસિબલ નક્કી કર્યા છે એનાથી વધારે જો અવાજ હોય તો તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા ડીવાયએસપી કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે અરજદારના વકીલ દ્વારા આગામી સુનાવણીમાં આ લિસ્ટ જાહેર કરવામાં આવે એ મામલે રજૂઆત કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે અગાઉ એક PIL દાખલ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરના ક્લિનિક પાસે મસ્જિદમાં લાઉડસ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાન વગાડવામાં આવતી હોવાથી આ ધ્વનિ પ્રદૂષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવી રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો, જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન એ મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનું અભિન્ન અંગ છે, પરંતુ લાઉડસ્પીકર અને માઇક્રોફોન એનાં અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે એ રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત એનો ઉપયોગ કરી શકાય નહીં. જોકે અરજદાર ડોક્ટરને કોઈ કારણોસર PILમાંથી હટી ગયા હતા, પરંતુ બજરંગદળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા મૂળ PILમાં ફરિયાદી બનવાની અરજી આપવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. આ કેસ અત્યારે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને બિરેન વૈષ્ણવની બેંચમાં ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લી સુનાવણી દરમિયાન વહેલી સવારે 4થી 5 વાગ્યે લાઉડસ્પીકરો પર અઝાન વાગતી હોવાની અને લોકોની ઊંઘ ખરાબ થતી હોવાની રજૂઆત કરાઇ હતી. એ મુદ્દાના વીડિયો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મુદ્દે હાઇકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી વિગતવાર સોગંદનામું રજૂ કરવા સરકારને આદેશ કર્યો હતો. ત્યારે આજે રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું, જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પૂર્વમંજૂરી મેળવ્યા વિના લાઉડસ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે.