Site icon Revoi.in

વડોદરા શહેરમાં ઘટાટોપ વાદળો અને ગાઢ ધૂમ્મસને લીધે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. આજે પણ જિલ્લાના સિનોર, સાવલી સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝપટાં પડ્યા હતા, વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને ગાઢ ધૂમ્મસને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

આજે દિવસ દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો કેટલાય સમયથી વરસાદ ન પડતાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે શહેરીજનોને આંશિક રાહત થઈ હતી, જો કે, વધુ વરસાદ ન પડતાં વધુ ઉકળાટ અનુભવાય રહ્યો છે. ધૂમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.

વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોવાથી શહેરનો માહોલ હિલ સ્ટેશન જેવો થઇ ગયો હતો. સતત ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. સ્કૂલમાં મૂકવા જતાં વાલીઓ બાળકને સ્કૂલે પહોંચાડવામાં ક્યાંકને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં, તો નોકરી-ધંધા માટે જતાં લોકો પણ મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં. વરસાદી માહોલ વચ્ચે ફૂટપાથવાસીઓ અને ઝૂંપડપટ્ટીના લોકો દયનીય હાલતમાં મૂકાઇ ગયા છે. રોજ મહેનત કરી ગુજરાન ચલાવનારા શ્રમિકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ શહેરીજનોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસની વરસાદની અગાહી કરવામા આવી છે. આજે દિવસ દરમિયાન 79 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં અમરેલીના બગસરામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. એકસાથે બે સિસ્ટમ સક્રિય થયાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આજે વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં.